સૈયર મોરી રે - ગુજરાતી ફિલ્મ | Saiyar More Re - Gujarati Movie
ગુજરાતી ફિલ્મો એટલે ગામડું ગરબો ને ગોકીરો એવી મજાકો એક સમયે થતી. આમાં ગોકીરો નથી, પણ ગામડું ને ગરબો છે. ગમતીલા પાત્રો છે, ગૂઢ આધ્યાત્મિક સ્પર્શ છે. જાણે આ ફિલ્મ આપણને કોઈ અલગ જ વિશ્વમાં લઈ જાય છે. જે આપણા કોઈ ભૂતકાળ કે બાળપણમાં લઈ જાય. એક મિત્રએ ફિલ્મ જોઈ ટહુકો કર્યો કે પવિત્ર ફિલ્મ છે!
ના, એવું નથી કે કંટાળાજનક છે. દિગ્દર્શક વિશાલ વાડાવાળાએ પોતાના વતનમાં શૂટ કરેલી આ ફિલ્મમાં ધબકતું કાઠિયાવાડ છે. મયુર ચૌહાણ અને યુક્તિ રાંદેરિયાએ એકદમ સહજ રીતે જે કનેકશન ઉપસાવ્યું છે. પ્રેમની ચોકલેટ કેકને બદલે સ્લીપરથી શરૂ થતી ગુલાબી ક્ષણોથી તાપણાના અંગારાની જેમ બળતી દાઝ સુધીની. આંખોમાં નેહ નીતરે યુક્તિની ને ખાલીપો મયુરની. ગૌરાંગ આનંદ જેવા સપોર્ટિંગ પાત્રો ય ઉપસે બધા. ખાસ તો મેહુલભાઈએ ભજવેલું ફઇબાનું પાત્ર જેમાં નાન્યતર જાતિના કિન્નરની મજાક નથી કે હીરો-વિલનગીરી નથી, પણ માણસાઇ છે કે પોતીકાપણું લાગે.
સૈયર મોરી રે - આખી ફિલ્મ જોવા અહિંયા ક્લીક કરો
અને શિરમોર મયુર સોનેજીના બાપુ. સ્વામી બ્રહ્મવેદાંતજીનો સ્પર્શ પામેલા આ અભિનેતાએ સાચે જ કોઈ આશ્રમના બાપુ પાસે બેઠા હોઈએ, એવી અલૌકિક અનુભૂતિ કરાવી. ફિલ્મ સીધીસરળ છે, પણ કળા વિહીન નથી. ઠેરઠેર સંવેદનાની સાથે સર્જકતાનો સ્પર્શ છે. એક ટોપ એંગલ શોટ જેમાં કન્વર્ઝેશન ચાલુ છે, બે વ્યકિતની વાતચીતનું કે સીધો સસ્તી હોટલનો ઓપનિંગ શોટ-માહોલ બતાવવાની આવડતની ચાડી ફૂંકે છે. અહીં હરિ અને લીલાના પાત્રો પ્રેમ પણ આંખોથી કરે છે, તડપ પણ આંખોથી અનુભવે છે. ગાયોની ઘૂઘરીઓ ને મંદિરના ઘંટારવ સાથે હૃદયના તાર ઝણઝણાવે એવા ગીતો ય છે.
Comments
Post a Comment